આઉટડોર માર્કેટિંગ એટલે શું? અને સામાન્ય હોર્ડિંગ્સ ઉપરાંત અન્ય કઈ ટેકનિક ઉપયોગમાં લઈ શકાય?

શું તમે એક બિઝનેસમેન છો અથવા એક બ્રાન્ડના માલિક છો? અને શું તમે તમારી બ્રાન્ડના આઉટડોર માર્કેટિંગને વધુ સફળ બનાવવા
ઈચ્છો છો? નવા જમાનાની નવી માર્કેટિંગ ટેકનિક્સનો સારો ઉપયોગ કઈ રીતે કરવો એ અંગે પણ વિચારી રહ્યા છો? તો ચાલો આજે જાણીએ
કે કઈ કઈ માર્કેટિંગ ટેકનિક તમારી બ્રાન્ડ માટે કારગર સાબિત થઈ શકે છે.

Table of content

  1. માર્કેટિંગ માટેના મુખ્ય માધ્યમો
  2. આઉટડોર માર્કેટિંગ એટલે શું?
  3. ભારતમાં આઉટડોર માર્કેટિંગનો ઈતિહાસ
  4. આઉટડોર માર્કેટિંગનું મહત્વ
  5. આઉટડોર માર્કેટિંગના ઉદ્દેશો
  6. આઉટડોર માર્કેટિંગના પ્રકારો
  7. હોર્ડિંગ્સના ઉપયોગની મર્યાદાઓ
  8. તમારી બ્રાન્ડ માટે બેસ્ટ માધ્યમની પસંદગી
  9. સારાંશ
  10. FAQs

માર્કેટિંગ માટેના મુખ્ય માધ્યમો

માર્કેટિંગ માધ્યમોને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરી શકાય છે: ઓનલાઈન અને ઓફલાઈન. ઓનલાઈન માર્કેટિંગમાં સોશિયલ મીડિયા,
મેટા એડ્સ, ગૂગલ એડ્સ, યુટ્યુબ એડ્સ, SEO અને ઈમેલ માર્કેટિંગનો સમાવેશ કરી શકાય છે. જ્યારે ઓફલાઈન માર્કેટિંગમાં OOH
માર્કેટિંગ, સમાચારપત્રોમાં જાહેરાત, ટેલિવિઝન અને રેડિયો એડ્સ અને પેમ્ફલેટ્સ જેવી તકનીકોનો સમાવેશ કરી શકાય.

આઉટડોર માર્કેટિંગ એટલે શું?

આઉટડોર માર્કેટિંગને સામાન્ય રીતે OOH અથવા આઉટ-ઓફ-હોમ માર્કેટિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે ઘરની બહાર હરતી-ફરતી
વખતે જે જાહેરાતો જુઓ છો તેનો આમાં સમાવેશ થાય છે. આ માર્કેટિંગનો મુખ્ય ઉદ્દેશ લોકોને તેમની દૈનિક પ્રવૃત્તિઓ દરમિયાન,
જેમ કે કામ પર જતી વખતે, ખરીદી કરતી વખતે, મુસાફરી કરતી વખતે અથવા ફરવા જતી વખતે, બ્રાન્ડ અંગે જાગૃત કરવાનો હોય છે.

હોર્ડિંગ્સને આઉટડોર માર્કેટિંગનો સૌથી જૂનો પ્રકાર કહી શકાય. બ્રાન્ડ્સ જાહેરાતો માટે લોકોની વધુ અવરજવરવાળા વિસ્તારમાં
મોટા મોટા હોર્ડિંગ્સ લગાડે છે, જેથી લોકોની નજર તેમની બ્રાન્ડ પર પડે અને સરળતાથી લોકોને તે બ્રાન્ડ યાદ રહી જાય.

gt

ભારતમાં આઉટડોર માર્કેટિંગનો ઈતિહાસ

ભારતમાં લાંબા સમયથી જાહેરાતો માટે આઉટડોર માર્કેટિંગનો ઉપયોગ થતો આવ્યો છે અને આવનારા સમયમાં પણ તે લાંબા ગાળા સુધી ચાલુ
રહેશે તે ચોક્કસ છે. ભારતમાં શરૂઆતમાં આઉટડોર માર્કેટિંગ દીવાલો પર ચિત્રકામ કરીને જાહેરાત કરવામાં આવતી હતી, જે હજુ પણ
કેટલાક ભાગોમાં વિસ્તારોમાં જોવા મળે છે.

20મી સદીમાં બદલાતા યુગ સાથે બિલબોર્ડ્સ અને હોર્ડિંગ્સનું ચલણ વધ્યું. શહેરોમાં લોકોની અવરજવર વધતાં રોડસાઇડ બિલબોર્ડ્સ
જાહેરાત માટે મુખ્ય માધ્યમ બન્યાં. 21મી સદીમાં ટેકનોલોજીએ આઉટડોર માર્કેટિંગને એક નવો જ વેગ આપ્યો. હાલના સમયમાં આઉટડોર
માટે ડિજિટલ સ્ક્રીન, QR કોડ અને ઓગમેન્ટેડ રિયાલિટી જેવી તકનીકોનો ઉપયોગ વધુ ચલણમાં છે.

આઉટડોર માર્કેટિંગનું મહત્વ

જેમ જેમ વ્યવસાયની તકોમાં વધારો થઈ રહ્યો છે તેમ તેમ આઉટડોર માર્કેટિંગનું મહત્વ પણ વધી રહ્યું છે. સતત ગતિશીલ રહેતા
સમયમાં આઉટડોર માર્કેટિંગ દિવસો સુધી એક જ જગ્યા પર રહીને પોતાની ઉપયોગિતા સાબિત કરે છે. માત્ર ગણતરીની સેકન્ડોમાં
જ્યારે લોકો મોબાઈલમાં તમારી જાહેરાતને સ્ક્રોલ કરી દે છે, ત્યારે જો તમારે તમારી બ્રાન્ડને લોકોની આંખો સામે વધુ સમય
માટે રાખવી હોય તો આઉટડોર માર્કેટિંગ એક સારો વિકલ્પ છે.

આઉટડોર માર્કેટિંગના ઉદ્દેશો

આઉટડોર માર્કેટિંગના ઉદ્દેશો પણ અન્ય માર્કેટિંગની જેમ જ સમાન હોઈ છે. બ્રાન્ડ અવેરનેસ, લીડ જનરેશન અથવા સેલ્સમાં વધારો,
પ્રોડક્ટ, સર્વિસ અથવા બ્રાન્ડનું પ્રમોશન કરવું, નવા ગ્રાહકોને આકર્ષવા, બ્રાન્ડ રિકોલ વધારવું અને સ્પર્ધાત્મક લાભ
લેવા જેવી બાબતોનો આ ઉદ્દેશમાં સમાવેશ થઈ શકે છે.

આઉટડોર માર્કેટિંગના અન્ય પ્રકારો

A. ડિજિટલ બિલબોર્ડ્સ (DOOH)

ડિજિટલ બિલબોર્ડ્સને હોર્ડિંગ્સનું જ એક એડવાન્સ વર્ઝન કહી શકાય. જ્યાં હોર્ડિંગ્સમાં માત્ર પોસ્ટરો અથવા તો સ્ટેટિક
જાહેરાતો લગાવી શકાય છે, તેની સામે ડિજિટલ બિલબોર્ડ્સમાં ડિજિટલ સ્ક્રીનનો ઉપયોગ થાય છે, જેથી તેમાં વીડિયો અને એનિમેશન
સહિતના ફોર્મેટમાં જાહેરાતો બતાવી શકાય છે અને લોકોને વધુ સારી રીતે આકર્ષી શકાય છે. આનો ખર્ચ સામાન્ય હોર્ડિંગ્સની
સરખામણીમાં થોડો વધારે હોઈ શકે છે, પરંતુ પરિણામમાં પણ હકારાત્મક અસર જોવા મળી શકે છે. સામાન્ય રીતે ડિજિટલ બિલબોર્ડ્સનો
ઉપયોગ મોટા શહેરોમાં વધારે જોવા મળે છે જ્યાં જનસંખ્યા વધારે હોય.

bording

B. ટ્રાન્ઝિટ એડવર્ટાઇઝિંગ

તમને કદાચ નામ પરથી જ આ પ્રકાર અંગે ખ્યાલ આવી ગયો હશે. ટ્રાન્ઝિટ એડવર્ટાઇઝિંગમાં વાહનો જેવા કે કાર, બસ, રિક્ષા અથવા
મેટ્રો સહિતની જગ્યા પર આકર્ષક રીતે એડવર્ટાઇઝિંગ કરવામાં આવે છે. આમાં જાહેરાતો વાહનોની અંદર પણ હોઈ શકે છે અથવા બહારની
તરફ પણ હોઈ શકે છે. આ વાહનો એક કરતાં વધુ જગ્યાઓ પર ફરતા હોવાથી જે લોકો તમારી જાહેરાત જોવાના છે તેમની સંખ્યામાં પણ
વધારો થાય છે. સામાન્ય હોર્ડિંગ્સ એક જ જગ્યાએ લાગતા હોવાથી ત્યાં દરરોજ પસાર થતા લોકોની સંખ્યા નિશ્વિત હોય છે, જ્યારે
આ વાહનો અલગ અલગ જગ્યાએથી અલગ અલગ સમય પર પસાર થતાં હોવાથી તમારી જાહેરાત વધુમાં વધુ લોકોની નજરમાં આવે છે.

rickshow


bus

C. સ્ટ્રીટ ફર્નિચર

આ પ્રકારના આઉટડોર માર્કેટિંગમાં સ્ટ્રીટ ફર્નિચર જેમ કે બસ શેલ્ટર, કિઓસ્ક, બેન્ચ અને પબ્લિક ટોઈલેટ સહિતની જગ્યાઓ પર
જાહેરાતો લગાવવામાં આવે છે. લોકોની દૈનિક જરૂરિયાતના સ્ટ્રીટ ફર્નિચરનો ઉપયોગ કરીને લોકો સુધી સરળતાથી પહોંચી શકાય છે. આ
એવી જગ્યાઓ હોય છે જ્યાં લોકો રાહ જોઈ રહ્યા હોય, આરામ કરી રહ્યા હોય અથવા ધીમી ગતિએ ચાલી રહ્યા હોય છે, અને આ સમયને
ડ્વેલ ટાઈમ કહેવાય છે. આ સમય દરમિયાન કરાતી જાહેરાતો લોકોના મન પર ઊંડી છાપ છોડી જાય છે, એવું માનવામાં આવે છે. શહેરી
વિસ્તારોમાં આ તકનીકનો વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે.

bus-stop


bus-stop2

D. ડિજિટલ કિઓસ્ક અને ઈન્ટરેક્ટિવ પેનલ્સ

આ પ્રકારમાં જાહેરાતો માટે ડિજિટલ ડિસ્પ્લે અને ઈન્ટરેક્ટિવ પેનલ્સનો ઉપયોગ થાય છે. આ સાધનોને એવી જગ્યા પર લગાવવામાં આવે
છે જ્યાં લોકોની પગપાળા અવરજવર વધારે હોય, ઉદાહરણ તરીકે મોલ, કોઈ શોપિંગ બજાર, કોઈ ખાણીપીણીની પ્રખ્યાત જગ્યા, સિનેમા,
બસ સ્ટેશન્સ, રેલવે સ્ટેશન્સ, વગેરે. આ પ્રકારની જાહેરાતમાં લોકો ડિસ્પ્લે અથવા કિઓસ્ક સાથે ઈન્ટરેક્ટ કરી શકે છે, જેમાં
સવાલોના જવાબ આપવા, કોઈ ગેમ્સ રમવી અથવા બ્રાન્ડને એવી રીતે દર્શાવવામાં આવે કે લોકો વધુ માહિતી માટે આ સાધનોનો ઉપયોગ
કરે છે. આ સાધનો ઈન્ટરેક્ટિવ હોવાથી લોકોને તે જલ્દી યાદ રહી જાય તેની શક્યતાઓ વધી જાય છે.

mall

E. મોબાઈલ બિલબોર્ડ્સ

શું તમે તમારા શહેરમાં ક્યારેય કોઈ માણસને પીઠ પર ડિજિટલ ડિસ્પ્લે લગાવીને ફરતા જોયો છે? અથવા કોઈ સાયકલ-રિક્ષાવાળાને
મોટા પોસ્ટર સાથે અને રેકોર્ડિંગ કરેલી જાહેરાત સાથે ફરતા જોયો છે? આવા પ્રકારની જાહેરાતોનો સમાવેશ મોબાઈલ બિલબોર્ડ્સમાં
કરી શકાય છે, જેમાં લોકોનો અથવા સાધનોનો ઉપયોગ કરીને જાહેરાત કરવામાં આવે છે. આ પ્રકારની જાહેરાતો ફરતી રહેતી હોવાથી
સામાન્ય માધ્યમો કરતાં વધારે લોકો પર અસર કરે છે.

person-ad

આ ઉપરાંત જાહેરાતોના અન્ય પણ કેટલાક પ્રકારો છે જેમ કે, એમ્બિયન્સ માર્કેટિંગ જેમાં ફર્શ પર, પગથિયા પર અને લિફ્ટ સહિતની
જગ્યાઓ પર નાની નાની અને ક્રિએટિવ જાહેરાતો લગાવવામાં આવે છે. રસ્તા પર જતી વખતે વીજપોલ પર પણ નાના પોસ્ટર્સ જોવા મળે
છે, એ પણ લોકો સુધી પહોંચવાનો એક સારો અને ઓછો ખર્ચાળ ઉપાય ગણી શકાય. જે બ્રાન્ડ્સ નાની હોય અથવા માર્કેટિંગ માટે બજેટ
ઓછું હોય તે અન્ય તકનીકના સ્થાને આવી નાની તકનીકનો ઉપયોગ કરીને લોકો સુધી પહોંચી શકે છે.

બિલબોર્ડ્સ અથવા હોર્ડિંગ્સની મર્યાદાઓ

બિલબોર્ડ્સ અથવા હોર્ડિંગ્સ જાહેરાતો કરવાનો એક જૂનો અને જાણીતો ઉપાય હોઈ શકે છે, પરંતુ તેની કેટલીક મર્યાદાઓ પણ છે, જે
નીચે મુજબ છે.

A. ઊંચો ખર્ચ અને ટાર્ગેટિંગમાં મુશ્કેલી

બિલબોર્ડ્સનો ઉપયોગ મોટા ભાગે મોટા શહેરોમાં થાય છે અને ત્યાં તેનો જાહેરાત ખર્ચ પણ વધારે હોય છે. ઉપરાંત હોર્ડિંગ્સમાં
લગાવવામાં આવેલી જાહેરાત જે ટાર્ગેટ ઓડિયન્સ માટે લગાવવામાં આવી છે શું તે લોકો જોઈ રહ્યા છે કે નહીં તે જાણવા માટે કોઈ
કારગર ઉપાય નથી. ઉદાહરણ તરીકે તમારી કાર બ્રાન્ડની જાહેરાત લગાવવામાં આવી છે, પરંતુ આ જાહેરાત જોનાર દરેક માણસ તમારી
ટાર્ગેટ ઓડિયન્સ હોય જ એ જરૂરી નથી. એમાં એવા લોકો પણ હોઈ શકે છે જે પહેલાથી જ કાર માલિક છે અને બીજી કાર ખરીદવાનું નથી
વિચારી રહ્યા. અથવા એવા લોકો પણ હોઈ શકે છે જે હાલમાં કોઈ કાર ખરીદવાનું નથી વિચારી રહ્યા. આવા સમયમાં તમારી જાહેરાત
કેટલી ઉપયોગી નીવડી એ જાણવું ખૂબ મુશ્કેલ સાબિત થઈ જાય છે.

B. અસર માપવામાં મુશ્કેલી

બીજી મર્યાદા એ છે કે આ જાહેરાત થકી તમને કેટલો સેલ્સ મળ્યો તે અને તમે કેટલી બ્રાન્ડ અવેરનેસ ફેલાવી શક્યા છો એ વિશે
માહિતી મેળવવી મુશ્કેલ છે. શું જાહેરાત જોયા પછી કોઈએ તમારી બ્રાન્ડમાંથી કોઈ ખરીદી કરી કે નહીં, બ્રાન્ડની જાગૃતિ કેટલી
વધી અથવા વેચાણમાં કેટલો વધારો થયો જેવી બાબતો વિશે જાણી શકવું મુશ્કેલ છે. આના કારણે રોકાણ પર મળતા વળતર (ROI)નું
મૂલ્યાંકન કરવું અઘરું બને છે.

C. મર્યાદિત સમય અને માહિતી માટેની જગ્યા

હોર્ડિંગ્સ અથવા બિલબોર્ડ્સ સામાન્ય રીતે મર્યાદિત સમય માટે લગાવવામાં આવે છે. જો લાંબા સમય સુધી લગાવી રાખવામાં આવે તો
એનો ખર્ચ ખૂબ જ વધી જાય છે. ઉપરાંત હોર્ડિંગમાં માહિતી દર્શાવવા માટે મર્યાદિત જગ્યા મળે, જેના કારણે તમને કેટલીક વિગતો
દર્શાવવાની તક મળતી નથી.

D. એકતરફી સંવાદ

આ માધ્યમમાં એકતરફી સંવાદ જાહેરાતના ઉદ્દેશો પાર પાડવામાં મુશ્કેલી ઊભી કરે છે. બ્રાન્ડ ગ્રાહકોને સંદેશો મોકલી શકે છે,
પરંતુ ગ્રાહકો તરત જ તેના પર પ્રતિક્રિયા આપી શકતા નથી. આનાથી બ્રાન્ડ અને ગ્રાહક વચ્ચે માહિતીની એકતરફી આપ-લે જ થાય છે
અને તમારી બ્રાન્ડ પ્રત્યે લોકોના મનમાં શું છે તે જાણી શકાતું નથી.

E. પર્યાવરણીય નુકસાન

આ મર્યાદાઓ ઉપરાંત પર્યાવરણ પણ હોર્ડિંગ્સ પર કરાયેલી જાહેરાત માટે મુશ્કેલી સર્જી શકે છે. ભારે પવન, વરસાદ અને તેજ
સૂર્યપ્રકાશના કારણે હોર્ડિંગ ફાટી જવાની, કલર ઊડી જવાની અને તૂટી પડવાની સંભાવનાઓ રહેલી હોય છે. અને જો આવી કોઈ ઘટના
બને તો જાહેરાતની અસરકારકતા ઘટી જાય છે.

હોર્ડિંગ્સની આ મર્યાદાઓ તેની અસરકારકતા પર સવાલ ઊભા કરે છે અને સમયની સાથે સાથે વિકાસ પામતી નવી તકનીકો વધુ સારું
પરિણામ આપતી હોવાથી તેના તરફ લોકોનું આકર્ષણ વધારે જોવા મળી રહ્યું છે.

તમારી બ્રાન્ડ માટે બેસ્ટ માધ્યમની પસંદગી

તમારી જાહેરાતને લોકો સુધી પહોંચાડવા માટે શ્રેષ્ઠ માધ્યમની પસંદગી એક પાયાનો નિર્ણય છે. અને જો આ નિર્ણય યોગ્ય રીતે ન
લેવામાં આવે તો તમારી સંપૂર્ણ માર્કેટિંગ નિષ્ફળ જઈ શકે છે. શ્રેષ્ઠ માધ્યમની પસંદગી માટે તમારી કેમ્પેઈનનો ઉદ્દેશ,
ટાર્ગેટ ઓડિયન્સ, બજેટ અને મેસેજ સહિતની બાબતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જરૂરી છે. ઉદાહરણ તરીકે જો તમારી કોઈ લોકલ
બેકરી છે તો તમે તમારા વિસ્તારના લોકોને ટાર્ગેટ કરવા માટે સ્ટ્રીટ ફર્નિચરનો ઉપયોગ કરી શકો છે. જો તમારી બ્રાન્ડ મસાલા
બ્રાન્ડ છે અને તમે કોઈ નવી પ્રોડક્ટ લોન્ચ કરી રહ્યા છો તો તમે ટ્રાન્ઝિટ એડવર્ટાઇઝિંગનો ઉપયોગ કરી શકો છે.

સારાંશ

જો તમે તમારી બ્રાન્ડ, પ્રોડક્ટ અથવા સર્વિસની જાહેરાત કરવા માંગો છો, તો માધ્યમની પસંદગી એક મહત્વપૂર્ણ નિર્ણય બની જાય
છે. આધુનિક સમયમાં જ્યારે સામાન્ય હોર્ડિંગ્સ સામે કેટલીક મર્યાદાઓ ઊભી થઈ છે, ત્યારે ડિજિટલ બિલબોર્ડ્સ (DOOH),
ટ્રાન્ઝિટ એડવર્ટાઇઝિંગ અને સ્ટ્રીટ ફર્નિચર જેવા નવા વિકલ્પો વધુ અસરકારક સાબિત થઈ રહ્યા છે. આ માધ્યમો ગ્રાહકોને સારી
રીતે ટાર્ગેટ કરી શકે છે અને બ્રાન્ડનો ઉદ્દેશ, ટાર્ગેટ ઓડિયન્સ અને બજેટને ધ્યાનમાં રાખીને, યોગ્ય માધ્યમની પસંદગી
કરવાથી તમારું માર્કેટિંગ વધુ સફળ થઈ શકે છે. કેટલીક વખત બ્રાન્ડ પોતે માર્કેટિંગ માટે જાતે નિર્ણય નથી લઈ શકતી ત્યારે
“બેસ્ટ ડિજિટલ માર્કેટિંગ એજન્સી” નો સહારો લેતી હોય છે, જેના કારણે જાહેરાતના ઉદ્દેશોને પાર પાડવામાં પણ સરળતા રહે છે.

FAQs

આઉટડોર માર્કેટિંગ એટલે ઘરની બહારના વાતાવરણમાં જોવા મળતી જાહેરાતો. આનો ઉદ્દેશ લોકોને તેમની દૈનિક પ્રવૃત્તિઓ દરમિયાન બ્રાન્ડ અંગે જાગૃત કરવાનો હોય છે.

ઓનલાઈન માર્કેટિંગમાં સોશિયલ મીડિયા, ગૂગલ એડ્સ અને ઈમેલ જેવી તકનીકોનો ઉપયોગ થાય છે. જ્યારે ઓફલાઈન માર્કેટિંગમાં OOH, સમાચારપત્રો, ટેલિવિઝન અને રેડિયો એડ્સ જેવી તકનીકોનો સમાવેશ થાય છે.

હોર્ડિંગ્સની મુખ્ય મર્યાદાઓ ઊંચો ખર્ચ, જાહેરાતની અસર માપવામાં મુશ્કેલી, માહિતી માટે મર્યાદિત જગ્યા, અને એકતરફી સંવાદ વગેરે છે.

ડિજિટલ બિલબોર્ડ્સ એ હોર્ડિંગ્સનું એડવાન્સ વર્ઝન છે. જ્યાં હોર્ડિંગ્સમાં માત્ર પોસ્ટરો લગાવી શકાય છે, ત્યાં ડિજિટલ બિલબોર્ડ્સમાં વીડિયો અને એનિમેશન સહિતના ફોર્મેટમાં જાહેરાતો બતાવી શકાય છે.

આઉટડોર માર્કેટિંગના ઉદ્દેશોમાં બ્રાન્ડ અવેરનેસ, લીડ જનરેશન, વેચાણમાં વધારો, નવા ગ્રાહકોને આકર્ષવા અને બ્રાન્ડ રિકોલ વધારવાનો સમાવેશ થાય છે.

હોર્ડિંગ્સ ઉપરાંત, ડિજિટલ બિલબોર્ડ્સ (DOOH),ટ્રાન્ઝિટ એડવર્ટાઇઝિંગ, સ્ટ્રીટ ફર્નિચર, ડિજિટલ કિઓસ્ક, મોબાઈલ બિલબોર્ડ્સ અને એમ્બિયન્સ માર્કેટિંગ જેવા વિકલ્પો ઉપલબ્ધ છે.

શ્રેષ્ઠ માધ્યમની પસંદગી માટે તમારી કેમ્પેઈનનો ઉદ્દેશ, ટાર્ગેટ ઓડિયન્સ, બજેટ અને મેસેજ સહિતની બાબતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જરૂરી છે.

Vasim Samadji is a partner at Flora Fountain, where he leads the Business and Marketing Strategy divisions. In a world where everyone is used to sugarcoating, his directness is often considered rude. But that shouldn't be a problem if you like the no-nonsense approach. Because he is a seasoned professional...

You've scrolled this far.
Clearly, we should talk.

For Business Enquiries

+919558079502 | hello@florafountain.com

For Career Opportunities

+919510924360 | careers@florafountain.com

    © Flora Fountain 2025